આપણું પીણું લોકોના મનમાં વસી ગયું છે પણ બે મહિનામાં જ ખપત ૪ ટકા ઘટી અને વિરોધી કંપનીએ જાહેરાતને જોરે મેદાન મારવા માંડયું. ત્યાર પછી એ ઠંડા પીણાની કંપની એક માત્ર એક બોટલ્ડ વોટરની બ્રાંડ જમાવવા દર વર્ષે જાહેરખબર ઉપર રૂ.૫૬ કરોડ ખર્ચ કરવા માંડયું. કોઈ પણ ઠંડાં પીણાં લો તેમાં ગળપણ અને થોડા કહેવાતા કોલાના એસેન્સ સિવાય કંઈ નથી. ધારો કે તેની કિંમત રૂ.૧૦ હોય તો તમને ફકત ૫૦ પૈસાની ચીજ પીવા મળે છે. બાકીનો નફો અને જાહેરખબર ઉપર ખર્ચાય છે.
તાજેતરમાં રૂ.૨૫૦૦ની કિંમતવાળું એક પુસ્તક પ્રગટ થયું છે. તેનું નામ છે ‘બેલ્ચિંગ આઉટ ધ ડેવિલ.’ લેખક માર્ક થોમસ નામના સમાજલક્ષી લેખક છે. તેમના અંદાજ અનુસાર એક ઠંડા પીણાની કંપનીનો જાહેરખબરનો ખર્ચ ૨૦૦૭-૦૮માં રૂ.૧૦,૦૦૦ કરોડ હતો. એ પહેલાં કોન્સ્ટન્સ હેયઝ નામના લેખકે ‘પોપ: ટ્રુથ એન્ડ પાવર એટ કોકાકોલા કંપની’ નામનું પુસ્તક લખ્યું હતું. આ બંને પુસ્તકમાં કોલાનાં પીણાં કેટલાં નક્કામા છે અને ખાસ કરીને ગરીબ દેશોને લૂંટે છે તેની વિગતો છે.
ઠંડાં પીણાંની કંપનીઓ આપણા ક્રિકેટરોને દર વર્ષે રૂ.૧૦૦૦ કરોડથી વધુ કમાવી આપે છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ સરકારે બોટલ્ડ પીણાં પરની જકાત ઘટાડી હતી. રાજીવ ગાંધીની સરકાર હોય કે અટલ બિહારીની સરકાર હોય કે ડો.મનમોહનસિંહની સરકાર એ તમામને ઠંડાં પીણાંની કંપનીઓ ચૂંટણી માટે નાણાં ખટાવે છે તેવા આક્ષેપો થયા કરે છે. ઠંડાં પીણાંની અનેક પોલંપોલ પુસ્તકો કે લેખો દ્વારા ખુલ્લી કરાઈ છે, છતાં તેનું વેચાણ ઘટતું નથી અને તેમના રથ સડસડાટ દોડે છે. થેન્કસ ટુ સચિન તેંડુલકરથી માંડીને સેહવાગ સુધીના પંદર ક્રિકેટરો અને સ્પોર્ટ્સમેનો અને ફિલ્મસ્ટારો. આ લોકો સમાજની જબ્બર કુસેવા કરે છે તેવો નવા પુસ્તકનો ઘ્વનિ છે.
ઠંડાં પીણાંને લગતી કેટલીક માહિતી ચમત્કારિક છે અને કેટલીક આ પીણાંની મજાક ઉડાવે છે:-
(૧) તમારું ટોઇલેટ બરાબર સાફ થતું ન હોય તો એક કપડામાં ઠંડા પીણાનું પીણું રેડો. તે તમારા સંડાસને સરસ રીતે સાફ કરશે. આ સંડાસ સાફ કરવાની ચીજ તમે ગટગટાવો છો!
(૨) તમારી કારની બેટરીને કાટ ચઢતો કોલાનાં પીણાંથી અટકશે. કાટ ચઢેલા પટ્ટાઓને ઠંડાં પીણાં ઊજળા કરે છે. ગ્રીસના ડાઘ પણ આ પીણાંથી ચાલ્યા જશે!
(૩) ઠંડાં પીણાંમાં જે દ્રવ્યોનું પ્રમાણ રહેલું છે, તેને અનેકગણું કરો તો તમારા દાંત અને હાડકાંને તેમાં ઓગાળી શકાય છે. તાત્પર્ય એ કે આવાં પીણાંથી કાળક્રમે તમારા દાંત અને હાડકાંને ખરાબ કરે છે. આવાં પીણાંમાં કોઈ પોષક દ્રવ્યો નથી. માત્ર ગળપણ છે. ઘણા મૂરખ લોકો જમ્યા પછી આ પીણાં પીવે છે. તેને કારણે પાચક રસો નબળા પડે છે અને કાળક્રમે તમને અપચો, એસિડિટી અને આંતરડાના રોગો થાય છે.
રાજસાગર નામના લેખક કહે છે કે પાંચ વર્ષ પહેલાં દિલ્હી યુનિ.માં કોકનાં પીણાં પીવાની સ્પર્ધા રખાઈ. એક વિધાર્થી આઠ બોટલ પી ગયો અને તેના લોહીમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધતાં તે મરણ પામ્યો! કોઈએ પ્રયોગ કરવા એક ઠંડા પીણાની બોટલમાં તૂટેલો દાંત નાખ્યો. ૧૦ દિવસમાં દાંત ઓગળી ગયો. હે ગુજરાતી હવે તું કોલા પીતો બંધ થઈશ?
(૪) ‘ધ ઇકોલોજિસ્ટ’ નામનું મેગેઝિન લખે છે કે કોલાનાં પીણાંનાં કેન જગતમાં પર્યાવરણ બગાડે છે. દા.ત. ૨૦૦૪-૨૦૦૫માં એક કંપનીના પીણાના ૩૯.૫ અબજ કેન વેચાયાં હતાં. આ બધા ખાલી ડબલાને ભેગા કર્યા હોય તો એક ટીન-ટાવર બને જે ચંદ્રને આંબી જાય!
(૫) ‘ન્યૂ યોર્ક ટાઇમ્સે’ ૧૦ વર્ષ પહેલાં (૧૬-૬-’૯૯) એક સમાચાર આપેલા કે ફ્રાન્સ, બેલ્જિયમ, લકઝમબર્ગ અને નેધરલેન્ડ્સમાં એક કંપનીના ઠંડા પીણાની તમામ બોટલો દેશની તમામ દુકાનોમાંથી ઉતારી લેવાયેલી, કારણ કે આ પીણાં પીધા પછી ઘણા લોકો બીમાર પડેલા. તેમાં ડાયોકિસનનું ઝેર માલૂમ પડયું હતું.
બેલ્જિયમના એક ઠંડા પીણાના પ્લાન્ટમાં ગડબડ થયેલી તેમ ખુદ તેના ઓફિસરે સ્વીકારેલું. ઘણા લેખકોને ઊલટીઓ થઈ હતી. એ પછી બીજી ફરિયાદ આવી ફ્રાન્સના ડેકીર્ક શહેરના એક ઠંડા પીણાની કંપનીના પ્લાન્ટમાંથી જે કેન આવેલાં તે વેન્ડિંગ મશીનમાંથી ખરીદીને પીવાથી બાળકો બીમાર પડેલા.
કપા કરી એરપોર્ટ કે બીજે રાખેલા વેન્ડિંગ મશીનમાંથી પીણાં ખરીદો નહીં. સ્ટીવ કલાર્ક નામના બ્રસેલ્સ (બેલ્જિયમ)શહેરના પત્રકારે કહ્યું કે મારા બાળકોને હું કદી કોલા પીવા દઈશ નહીં. તેમને વાઇન પીવાની છૂટ છે પણ કોલા નહીં! વિકટોરિયા મૂર નામની પત્રકારે ‘ગાર્ડિયન’માં ૩-૪-૦૪ના લખેલું કે આ ઠંડાં પીણાંની કંપનીઓ ક્રૂર મૂડીવાદની દલાલો છે. આજે કોકાકોલા જગતના દરેક દેશમાં આ ઠંડાં પીણાં વેચાય છે. વિકટોરિયા મૂર કહે છે કે ઘણા દેશોનાં બાળકો તેમના કુળદેવતા કે કુળદેવીને જાણતા નથી પણ ઠંડા પીણાની કંપનીનું નામ તેમને હોઠે હોય છે.
(૬) અમેરિકાના એટલાન્ટા શહેરના એક ફાર્મસસ્ટિ જોન પેમ્બરટને આ પીણું શોઘ્યું. તેની સિક્રેટ ફોમ્ર્યુલા જ આજે જગતભરના બોટલર્સને વેચાય છે. ઠંડા પીણાની માતબર કંપનીઓને ઘરે બેઠા અઢળક નફો મળે છે. અગાઉના કોલાઓમાં તો કોકો વગેરે કુદરતી ઉત્પાદનોનું સત્ત્વ વપરાતું. જે છોડમાંથી કોકેઇન નામનું વ્યસની તત્ત્વ મળે છે, તેનું મોંઘું સત્ત્વ પણ શરૂમાં વપરાતું.
ઉપરાંત કેફેનનાં તત્ત્વવાળા કોલાના મિંજનું સત્ત્વ વપરાતું. બાકીના ખાંડ કે બીજા ગળપણ હતા. દા.ત. ૩૩૦ મિલીલિટરના કેનમાં ૩૫ ગ્રામ ખાંડ કે સેકરીન કે બીજાં કત્રિમ ગળપણ હોય છે. આ ઠંડાં પીણાં ટોઇલેટ કલીનર તરીકે શ્રેષ્ઠ છે. તે પેટમાં નહીં ટોઇલેટમાં નાખવા જેવું છે, તેમ કીમ અને એગી નામના લેખકો કહે છે. ફાર્મસસ્ટિ જોન પેમ્બરટને જયારે કોકાકોલા શોઘ્યું ત્યારે પહેલે જ દિવસે માત્ર ૯ કોકાકોલાની બોટલો જ ખપી હતી. ત્યારે તેમાં કોઈ જાહેરખબરનો ખર્ચ કર્યોનહોતો.
(૭) ‘વેવલેન્થ’ નામનું મેગેઝિન લખે છે કે જો તમે ૧.૫ લિટર બોટલ ઉપર ઝીણા અક્ષરે સોફટ ડિ્રંકમાંમાં શું શું છે તે વાંચો તો ખબર પડે કે તેમાં સૂક્ષ્મ પ્રમાણમાં એથિલિન ગ્લાયકોલ નામનું રાસાયણિક તત્ત્વ છે, જે તેને જલદી ઠંડું બનાવી શકે છે. આ રસાયણ એક ધીમું ઝેર ગણાય છે. જો તમે ચાર લિટર ઠંડું પીણું પી જાઓ તો મીઠો આપઘાત કરવા માટે પર્યાપ્ત છે. (‘વેવલેન્થ’ ફેબ્રુઆરી ૨૦૦૦નો અંક. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડો.એસ.કે.વાર્શની). આ પીણાંઓમાં કોઈ પોષક તત્ત્વો નથી. ઊચું ગળપણ, કાર્બોનિક એસડિ અને રસાયણો છે.
(૮) એક ઠંડા પીણાનું ૧૯૦૯માં જાહેરાતનું સૂત્ર હતું ‘ગૃહિણીઓનો થાક ઉતારે છે.’ આવા તો અનેક ગતકડાં તે ભાવનાશીલ જાહેરખબર દ્વારા કરે છે.
(૯) ‘ન્યૂ સ્ટેટ્સમેન’ નામનું જાગૃત સાપ્તાહિક લખે છે કે ઠંડા પીણા માટે માર્કેટિંગ જ મોટું શસ્ત્ર છે. ૧૫-૩-૦૪ના રોજ એક ઠંડા પીણાના બોટલિંગ પ્લાન્ટમાં કોલંબિયા ખાતે આઠ કામદારો ભૂખહડતાળ પર ઊતર્યા. તેના ટ્રેડ યુનિયન સાથે કંપનીએ જબ્બર કંકાસ તો કર્યોજ સાથે કંપનીએ પેરામિલિટરી ફોર્સ રાખીને હડતાળિયા કામદારોનાં ખૂન, ટોર્ચર અને કિડનેપની હરકતો કરેલી તેવો આક્ષેપ અમેરિકાની કોર્ટમાં થયેલો. આઠેક કામદારનાં ખૂન થયેલાં. તે પ્લાન્ટની અંદર પતિ- પત્ની-કામદારનાં ખૂન થયેલાં, એ પછી ૯૧ જેટલા કામદારોને પાણીચું આપેલું. આ બધાં કામો બોટલર્સે કરેલા હશે.
(૧૦) લંડનનું ‘ન્યૂ સાયન્ટિસ્ટ’ લખે છે કે ડાયેટ કોલામાં જે કત્રિમ ગળપણ હોય છે તેને કારણે સ્થૂળતા વધે છે. અનેક છાપાં-મેગેઝિનો પણ ઠંડા પીણાની કંપનીઓના આડકતરા દલાલ છે, જયારે પણ કોલાનાં વખાણ આવે છે ત્યારે તે પ્રગટ કરે છે. સોફટ ડિ્રંકમાં બેન્જિન નામનું હાનિકારક રસાયણ છે તેવું માલૂમ પડયું ત્યારે સોફટ ડિ્રંકસવાળાએ જાહેરખબરનો ખર્ચ વધારીને ઘણાં અખબારોને ચૂપ કર્યા હતા.
તે વર્ષ ૨૦૦૫માં એક ઠંડા પીણાની કંપનીનો જાહેરાતનો ખર્ચ ૧૦૬ અબજ ડોલર થયો. અમેરિકન બાળકો સરેરાશ રોજના બે કેન સોફ્ટ ડિ્રંકસ પીવે છે તેમાંથી ૧૮ ચમચા ખાંડ ખાઈ જાય છે! બાળકો ટીવી ઉપર આવાં પીણાંની ૪૦,૦૦૦ જાહેરખબરો જુએ છે. સોફટ ડિ્રંકસવાળા જા.ખ. માટે ગુજરાતી કે અંગ્રેજી અખબારોને હંમેશાં ફિટ ગણતાં નથી! ઉપરની વાતો વાંરયા પછી જે ગુજરાતી ઘરમાં સોફટ ડિ્રંકસ પીવાય તે અજ્ઞાન, જડ અને તેના બાળકોના સ્વાસ્થ્યના દુશ્મન ગણાવા જોઈએ.
No comments:
Post a Comment